June 17th 2008

A પરમાત્માની અણમોલ ભેટ અને પ્રાર્થના

ત્રણ   વાનાં   મુંજને   મળ્યાં….
                           
                 હૈયું , મસ્તક   ને     હાથ….
                         
બીજું   કશું   જ   ન   માગું ….
              
                   બહું જ દઈ દીધું નાથ.                                                                            

…………………..કવિ ઉમાશંકર  જોશી

કવિ પરમ પરમાત્માને કહે છે કે હે પરમાત્મા તેં મને હૈયું, હાથ અને મસ્તક્ની અણમોલ ભેટ આપી છે. મારે હવે બીજું કંઈ જ જોઈતું નથી. તારી આ અણમોલ ભેટનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે આનંદમાં રહી તને યાદ કરવો તે શીખવ.

             પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ઉપરોક્ત પંક્તિઓનો ઉલ્લેખ હનુમાન જન્મ નિમિત્તે યોજયેલી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૦૮, રવિવારના રોજની રામ કથામાં પણ કર્યો હતો તેમજ હૈયું, મસ્તક અને હાથ તેમજ તેના સાંકેતિક સંદર્ભ અને તેના અર્થો દ્વારા સમજણ આપી હતી.  તેમણે સમજાવેલ સંદર્ભ નીચે મુજબ છે.

             પરમાત્માએ આપેલા મસ્તકમાં બુધ્ધિ  હોય છે, વિચાર કરવાની શક્તિ હોય છે. બુધ્ધિને જ્ઞાન પણ કહી શકાય. જ્ઞાની માણસ સુવિચાર ધરાવે છે. આમ મસ્તકની આપણને મળેલી અણમોલ ભેટને જ્ઞાન યોગની ભેટ પણ કહી શકાય.
             પરમાત્માએ આપેલ હૈયામાં એટલે કે દિલમાં ભાવ પેદા થાય છે. હૈયું ભાવના શિલ હોય છે. હૈયામાં રહેલ ભાવ શુધ્ધ હોય તો તે સારા કાર્ય કરવા પ્રેરણા આપે . હૈયાના શુધ્ધ ભાવ ભક્તિ યોગ છે.
             પરમાત્માએ આપેલ હાથ કાર્ય કરવા માટે છે. જો હૈયામાં શુધ્ધ ભાવ હોય તો જ હાથ સારાં કાર્યો કરે, સત્ કર્મ કરવા પ્રેરાય. આવા સત્ કર્મ કરતા હાથ કર્મ યોગ છે.
             આમ આપણને ભગવાને મસ્તક દ્વારા જ્ઞાન યોગ, હૈયા દ્વારા ભક્તિ યોગ અને હાથના સત્ કર્મો દ્વારા કર્મ યોગની અણમોલ ભેટ આપી છે.
             આમ જો માણસમાં શુધ્ધ ભાવ હોય, સુવિચાર હોય અને સત્ કર્મ હોય તો જ તે સારો માણસ બની શકે, ચારિત્રવાન બની શકે.આમ જો હૈયાના શુધ્ધ ભાવ, મનના સુવિચાર અને હાથના સત્ કાર્યોનો સમન્વય થાય તો જ તેનું ઘણું સારું તેમજ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તેવું પરિણામ આવે.

Actions, Emotions and Thoughts together form a good character. 
              વિશ્વમાં યુધ્ધની શરુઆત માણસના મનથી થાય છે.તેથી જો વિશ્વને યુધ્ધ રહિત કરવું હોય તો પ્રથમ માણસના મનને શુધ્ધ કરવું પડે. શુધ્ધ મન જ યુધ્ધ નિવારી શકે.
 

આદિ ગુરુ શંકરાચાર્ય ભગવાન વિવેક ચૂડામણિમાં કહે છે કે ત્રણ વસ્તું દૂર્લભ છે.
                         ૧ માનવ શરીર
                         ૨ સંત સમાગમ 
                         ૩ મુમુક્ષત્વ

                      દુર્લભં ત્રયમેવૈતદ્  દેવાનુગ્રહહેતુકમ્ l
                                                    

                                                    મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ  ll

અર્થાત દેવોની કૃપાને કારણે જ મળી શકે એવાં આ ત્રણ દુર્લભ છે-મનુષ્ય હોવું, મોક્ષ મેળવવાની ઈચ્છા હોવી અને મહાપુરુષ સાથેનો સત્સંગ.

આપણને માનવ શરીરની અણમોલ ભેટ પરમાત્માએ આપી આપણા ઉપર અનહદ કૃપા કરી છે.

અહીં મનુષ્ય જન્મ મળવો એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. પણ માત્ર સ્થૂલ અર્થમાં મનુષ્ય હોવું એ પુરતું નથી. પરંતુ મનુષ્ય જન્મની સાચી સાર્થકતા સમજીને તેનો ઉપયોગ પરલોક સુધારવા માટે કરવો અને જીવન ચરિતાર્થ કરવું. 

ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં લખ્યું છે કે
                બડેં ભાગ માનુષ તનુ પાવા l
                                      સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા ll
                સાધન ધામ મોચ્છ કર દ્વારા l
                                       પાઇ ન જેહિં પરલોક સંવારા ll

મનુષ્ય દેહ મળ્યો છે એ બહું મોટા ભાગ્યની વાત છે. બધા મહા ગ્રંથોએ ગાયું છે કે મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે. આ દેહ સાધન માટેનું ધામ અને મોક્ષનું દ્વાર છે.આ દેહ પરલોક સુધારવા માટે મળ્યો છે.આ દેહની પ્રાપ્તિ પછી પણ જો માનવ તેનો પરલોક ન સુધારે તો એ પરલોકમાં દુઃખી થઈ પસ્તાય છે અને માથું કૂટે છે તેમજ કાળ, કર્મ અને ઈશ્વરને વ્યર્થ દોષ દે છે.

 ********

 હે પરમ કૃપાળુ પરમાત્મા

સંજોગો વિકટ હોય ત્યારે ,

સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે ,

હાસ્ય અને આનંદ કેમ ટકાવી રાખવા તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ,

ત્યારે શાંતિ કેમ ટકાવી રાખવી તે મને શીખવ.

કઠોર ટીકાઓનો વરસાદ વરસે ,

ત્યારે મારા ખપનું કેમ ગ્રહણ કરવું તે મને શીખવ .

ચારે બાજુંથી મુશ્કેલીઓ ઘેરી વળે ,

શ્વધ્ધા ડગુંમગું થઈ જાય ,

નિરાશાની ગતામાં મન ડૂબી જાય ,

ત્યારે ધીરજ અને શાંતિથી

તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ.

************

 

પ્રાર્થના કરવી એટલે ફરી ફરી શબ્દો ઊચ્ચારવા એમ નથી. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોષ્ઠી, પરમાત્માનું ચિંતન, પરમાત્માનો  અનુંભવ……સ્વામી રામતીર્થ

પ્રાર્થના માંગણી નથી, આત્માની ઝંખના છે. પ્રાર્થના નવરાશની પળોનું ડોશીમાનું મનોરંજન નથી પણ પ્રાર્થના અંતરનું પરમાત્મા સાથેનું જોડાણ છે……ગાંધીજી

પ્રાર્થના તો આત્માનો ખોરાક છે, પરમાત્મા સુધી જવાની કેડી છે, આપણી કાલીઘેલી વાતોને પરમાત્માને જાણ કરવા માટેનો રસ્તો છે. સાચા મનથી અને નિખાલસ ભાવે તેમજ સંપૂર્ણ  વિશ્વાસ રાખી કરેલી પ્રાર્થનાને પરમાત્મા જરુર સાંભળે છે. પ્રાર્થના દ્વારા અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં જવા માટેનું દૈવી બળ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. અને અંતઃકરણ પવિત્ર થવાથી સદ ભાવના અને શુભ નિષ્ઠા પેદા થાય છે, સત કાર્યો કરવા મન પ્રેરાય છે, જીવના વળાંકની શરુઆત થાય છે. જીવનની મલિનતાઓ, દૂર્ ગુણો, અનિષ્ટ તત્વો, વિકૃતિઓ વિગેરેને દૂર કરવા માટે સાચા હદયથી નિખાલસ ભાવે કરેલી પ્રાર્થના અમોઘ ઔષધ સમાન છે. આમ પ્રાર્થના નવજીવનની સંજીવની છે.જીવન જ્યોત માટે, જીવન જે હેતુ માટે મળ્યું છે તે હેતુ ચરિતાર્થ કરવા માટે પ્રાર્થના અનિવાર્ય છે.પવિત્ર હદયમાંથી નીકળેલા પ્રાર્થનાના શબ્દો ક્યારે ય વ્યર્થ જતા નથી.નિખાલસ ભાવથી અને સાચા મનથી કરેલી પ્રાર્થનાથી આપણેને આપણા કર્તવ્યનો ખ્યાલ આવે છે અને આપણે કર્તવ્ય પરાયણ બની સાચા કર્મો કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. અને આમ સાચુ કર્તવ્ય જ પ્રાર્થના બની જાય છે. પ્રાર્થના એટલે ભગવાન સાથે શ્રધ્ધા અને વિશ્વાસ પૂર્ણ રીતે કરેલો ભાવાત્મક સંવાદ.

પ્રાર્થના કોઈ મંદિરમાં કે મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળે જઈ નમન કરવામાં સમાઇ જતી નથી. પ્રાર્થના એ તો અંતઃકરણમાંથી નીકળતા શબ્દો છે, અંતઃકરણની આરઝૂ છે, જે બીજાને સંભળાવવા માટે નથી પણ પરમ તત્વને યાદ કરી તેણે આપણા ઉપર કરેલી કૃપા માટે તેનો હ્નદય પૂર્વકનો આભાર માનવા માટેની યાચના છે.

પ્રાર્થના એ તો ઈશ્વર સાથે સધાતો સંવાદ છે અને આવો સંવાદ જરુર પરિણામદાયી રહે છે.

 

************************

અસત્યો માંહેથી પ્રભુ

પરમ સત્યે તું લઈ જા
 

ઊંડા અંધારેથી પ્રભુ
               
                    પરમ તેજે તું લઈ જા,

મહા મૃત્યુમાંથી અમૃત
               
                     સમીપે તું લઈ જા

તું હીણો હું  છું તો
                
                    તુજ દર્શનના દાન દઈ જા

************************
ઓ ઈશ્વર ભજીએ તને

મોટું છે તુજ નામ

ગુણ તારા નિત ગાઈએ

થાય અમારા કામ

હેત લાવી હસાવ તું

સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે

તો પ્રભુ કરજે માફ.

પ્રભુ એટલું આપજો,

કુટુંબ પોષણ થાય;

ભૂખ્યા કોઈ સુવે નહીં,

સાધુ સંત સમાન.

અતિથિ ભોંઠો ના પડે,

આશ્રિત ના દુભાય,

જે આવે મમ આંગણિયે,

આશિષ દેતો જાય.

****************

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો;
દયામય ! મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો…..
દયામય ! મંગલ મંદિર ખોલો !
——-નરસિંરાવ દિવેટિયા

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in