June 18th 2008

વિણેલાં મોતી - ગુજરાતી

  • જે શરીરથી કામ કરે છે તે મજુર છે, જે મગજથી કામ કરે છે તે કારીગર છે,પણ જે હદય સાથે રાખી કામ કરે છે તે કલાકાર છે.
  • ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.
  • કોણ કેટલું જીવ્યો તેનું મહત્વ નથી પણ કેવું જીવ્યો તેનું મહત્વ છે.
  • ભૂતકાળ વટાવી લીધેલા ચેક જેવો છે, એથી એ કોઈ કામનો નથી, ભવિષ્યકાળ પ્રોમિસરી નોટ જેવો છે, જેથી તેની પાકતી તારીખની રાહ જોવી પડે છે. જ્યારે વર્તમાન કાળ જ આપણા હાથમાં છે અને તેથી જ ફક્ત તેનું જ મહત્વ છે. વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝંટ ટેન્સ કહે છે. ખરેખર વર્તમાન કાળ આપણને મળેલી અમૂલ્ય પ્રેઝંટ - ભેટ - છે.
  • કોઈ મુશ્કેલી વગરનો રસ્તો જો તમે શોધી શકો તો તે રસ્તો ક્યાંય જતો નહિં હોય.
  • ખુદમાંથી ખુદા બનવા માટે ખુદમાંના દ ને કાનો લગાડવાની જરૂર છે. કાનો લગાડવો એટલે કાના સાથે - કહાના- કનૈયા સાથે -સંબંધ જોડવો. આમ કહાના સાથે સંબંધ જોડવાથી ખુદમાંથી ખુદા બની શકાય.
  • પરમાત્માની પ્રતિક્ષા કરવાની હોય, પરીક્ષા કરવાની ન હોય
  • પ્રાર્થનામાં જે માગશો તે મળશે, પણ તે માટે પ્રાર્થનામાં વિશ્વાસ રાખવો પડશે.
  • ધીરજ, ધર્મ, સ્ત્રી અને મિત્રની સાચી ઓળખ કપરા સમયે જ થાય છે.
  • સફળ અને નિષ્ફળ લોકો પાસે સમય તો એક સરખો જ હોય છે, પણ સફળ લોકો તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને સિધ્ધિના શિખરે પહોંચે છે……શિવ ખેરાનું
  • લંગડો પોતાની આધાર લાકડી  દુશ્મન સામે લડવામાં ન ભાગે તેમાં જ એનું ડહાપણ રહેલું છે….ખલીલ જિબ્રાન
  • “આ નો  ભદ્રો  ક્રતવો  યન્તુ  વિશ્વતઃ”…….ઋગ્વેદ
                    ઉમદા વિચારો બધી જ દિશાઓમાંથી આપણી અંદર આવવા દો.
  • નાનું સરખું ફૂલ જો દૂર સુધી સુગંધ ફેલાવી શકે, નાનકડા કોડિયામાં પ્રગટેલી વાટ જો દૂર સુધી પ્રકાશ પ્રસરાવી શકે તો માનવીની પ્રતિમા શું ન કરી શકે?
  • મા બાપને સોને ન મઢાવાય તો ય ચાલે, હીરે ન મઢાવાય તો ય ચાલે પણ તેની આંતરડી તો ન જ કકળાવાય.
  • તેં જ્યારે ધરતી ઉપર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા પિતા તારી પાસે હતાં. માતા પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
  • તું નાનો હતો ત્યારે મા ની પથારી ભીની રાખતો. મોટો થયો ત્યારે મા ની આંખડી ભીની રાખે છે. રે…પુત્ર મા ને ભીનાશમાં રાખવાની તને ટેવ પડી છે!
  • બા, પહેલાં આંસુ આવતાં ને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
  • સંસારની બે કરુણતા છે, મા વિનાનું ઘર અને ઘર વિનાની મા.
  • એક કિલોની દૂધી ચાર કલાક ઊંચકી રાખતાં તારો હાથ દૂખી જાય છે, તો મા એ નવ નવ મહિના સુધી પેટમાં તને કેવી રીતે રાખ્યો હશે તે વિચારજે.
  • જે દીકરાના જન્મ સમયે મા બાપે પેંડા વહેંચ્યા, એ  જ દીકરાએ મોટા થઈ મા બાપને વહેંચ્યા. આ હ …કેવી કરુણતા!
  • જે દિવસે મા બાપ તમારી પાસે રડે છે, તે દિવસે તેમના આંસુમાં તમારો કરેલો ધર્મ અને પૂણ્ય ધોવાઈ જાય છે.
  • જો તમે સુખી હો તો એ તમારા પૂણ્ય થકી નહિં, પણ મા બાપની મૂંગી આશિષ થકી છો તેમ માનજો. તમારા પૂણ્ય કર્મનો હિસાબ તો જ્યારે લખાશે ત્યારે લખાશે, આજે તો તમારા માતા પિતાનું જીવન તમારા પૂણ્યની ખૂલ્લી કિતાબ છે.
  • ઉપર જીસકા અંત નહિં ઉસે આસમા કહતે હૈ, જહાંમે જીસકા અંત નહિં ઉસે “મા” કહતે હૈ.
  •                 પિતાજીની ઝૂંપડી મધ્યે
                                                    પાંચ પુત્રો વસી શકે.
                    પુત્રોના પાંચ મહેલોમાં
                                                    પિતા કદી સમાય કે  ?
                                                      ………………..કવિ ચંપકલાલ વ્યાસ

  • અજ્ઞાન અને અવિધ્યા જેટલા જોખમકારક છે તેથી વધું જોખમકારક અનાઘિકારી ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું ભૂલ ભરેલું અથવા ગેર રસ્તે દોરનારું જ્ઞાન છે.

  • મહાન ફ્રેન્ચ નિબંધકાર મોન્ટેન કહે છે કે જીવનનું સાચું તત્વ જ્ઞાન એક જ છે અને તે છે સારી રીતે મરવાની કળા. પણ સારી રીતે જીવ્યા વિના સારી રીતે મરાતું નથી. એટલે કે સારી રીતે મરવાની કળામાં સારી રીતે જીવવાની કળાનો સમાવેશ થઈ જ જાય છે.

  • હું લાખ વાર બોલીશ તો પણ જેને સમજવું જ નથી તે નહિં જ સમજે તેમજ જેને સમજવું છે તે તો મારા બોલ્યા વિના પણ સમજી જશે…….ભગવાન બુધ્ધ

  • પાડો જન્મથી મૃત્યુ પરયંત પાડો જ રહે છે. જે પરિવર્તનશીલ નથી તે બધા આ શ્રેણીના માણસો છે.

  • પશુ, પંખી વિ. ને પશુ કે પંખી થવાનું કહેવાની જરુર નથી પડતી પણ માણસને કહેવું પડે છે કે તું માણસ થા, માણસ બન.

  • પરમાત્માએ મનુષ્ય અને પશુની રચના કરી છે. પરમાત્માએ મનુષ્યને સીધો બનાવ્યો છે જ્યારે પશુને આડા બનાવ્યા છે. પણ વક્રતા એ છે કે સીધો મનુષ્ય આડો- વાંકો ચાલે છે જ્યારે આડા પશુ સીધા ચાલે છે.

  • પ્રાર્થનામાં ખાલી ખાલી ફફડતા હોઠ કરતાં કોઈને મદદ માટે લંબાયેલા હાથ વધુ પવિત્ર હોય છે. …………આલ્ફ્રેડ હિચકોક

  • સ્વજન એટલે સ્વર્ગવાસ પછી પણ જતન કરનારો જણ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in