B ૐ અને ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ - મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે. ૐ - ઓમ - પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે, બીજ મંત્ર છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. ૐ - ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે.
સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ - ઓમ -માંથી જ થયું છે, ૐ - ઓમ - થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ - ઓમ -માં જ વિલીન થઈ જશે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ - ઓમકાર હું છું.”
ૐ - ઓમ - એ તો અનંતનો નાદ છે, ૐ - ઓમ - બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ - ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.
માન્ડુક્ય ઉપનિષદમાં ૐ - ઓમ - અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ - ઓમ - અથવા તો ઓમકાર છે. ૐ - ઓમ - જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.
ૐ - ઓમ - ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.
જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ - ઓમ - છે.
ૐ - ઓમ - અથવા તો ઓમકાર અ, ઉ, મ, ર કાર અને ર કાર ઉપર બિન્દુથી બને છે. ૐ - ઓમ - ને જાણવા, સમજવા આ અક્ષરના વિવિધ અર્થ સમજવા જરુરી છે. આ વિષે ઘણા મહાનુભાવોએ તેમના પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.
ૐ - ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે. અનેક મહાપુરુષોએ આ અંગે તેમની ટિપણી કરી છે. આ ૧૦૦૦ અર્થો પૈકી ભારતના અર્વાચિન ઋષિ અને પ્રજ્ઞા પુરુષ શ્રી વિનોવા ભાવેએ કરેલ અર્થ ઘટન અંગેની ટિપણી સમજવા જેવી છે.
તેમના કહેવા પ્રમાણે સંસ્કૃત શબ્દ ૐ - ઓમ - અને લેટીન શબ્દ Omne એક જ ધાતુમાંથી આવે છે, જેનો અર્થ સર્વ થાય છે.આ બંને શબ્દો સર્વજ્ઞ, સર્વત્ર અને સમર્થ - સર્વ શક્તિમાન એવો નિર્દેશ કરે છે. એટલે કે ૐ - ઓમ - એટલે એ શક્તિ જે સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વ શક્તિમાન છે.
ૐ - ઓમ -ને પ્રણવ પણ કહેવાય છે. પ્રણવ ‘નુ’ ધાતુમાંથી બને છે, જેનો અર્થ પ્રાર્થના થાય છે. આમ ૐ - ઓમ - એટલે સારામાં સારી પ્રાર્થના એવો પણ કરી શકાય.
“અ”, “ઉ” અને “મ” થી ૐ મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.
અ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ઉ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને મ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે. આમ ૐ માં ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - સમાવિષ્ટ છે.
ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને “મ” સુષુપ્ત અવસ્થાનો સંકેત કરે છે. સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે. આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ ચોથી અવસ્થાની સ્થિતિ છે. આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે. અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં એટલે કે ઓમ નો નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે.
“અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ - પણ કહી શકાય. અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા-અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.
અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ Divinity છે અને તે આકાર, અને કૃતિથી પર છે.
અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.
અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.
સત્યનું નામ એ જ ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ - ધવ્નિ છે.
ઓમનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.
ભારતીય આધ્યાત્મિક જગતે મનને મટાડવાની વાત કરી છે. અને જ્યારે મન મટી જાય છે ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે, ઓમકાર ધ્વનિ સંભળાય છે. ઓમકાર મૂળ સ્તોત્ર છે, જેનાથી બધા સ્વર પેદા થાય છે. તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે. ઓમકારનો અનાહદ નાદ એટલે શૂન્યનું સંગીત.
વિજ્ઞાનની શોધ વિદ્યુત છે, તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે. આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે. આના દ્વારા જ સત્યને પામી શકાય. એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે, બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.
યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે. ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત ટટાર બેસી, હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરુ કરો. આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશઃ પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે તમે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે. ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે. સંગીતની પોતાની આગવી અને અનોખી સુરા છે. ભીતર ઓમકારનો નાદ ગુંજવાથી તમે મદમસ્ત બની સ્ફુર્તિથી ભરપુર બની જશો. અને આમ આ પ્રકારની સાધનામાં ઓમકારનો ધ્વનિ કરતા રહેવાથી એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણી ઓમકારની ધૂનની સાથે સાથે બીજી પણ એક આંતરિક ધૂન પેદા થશે. આ આંતરિક ધૂન અદભૂત હશે. આ સ્થિતિ આવતાં આપણી બાહ્ય ધૂન શાંત થઈ જશે અને આપણે આંતરિક ધૂનને શ્રોતા બની સાંભળી રહ્યા હોઇશું. આ સ્થિતિમાં અંદર રોમે રોમમાં પ્રકાશ છવાઈ જશે, અંધકાર દૂર થઇ જશે અને આપણે ઓમકારના અમૃતને માણતા માણતા મહા સુખની વર્ષામાં ભીંજાવા લાગીશું, પરમ તત્વનો અનુભવ કરવા લાગીશું. આ એક અતુલનીય અને અવર્ણનીય સ્થિતિ હશે. અને આમ આ સ્થિતિ આવતાં ઓમકાર આપણા સારીરિક અને માનસિક સ્વરુપને બદલી નાખનારું પરમ રસાયણ બની જશે.
ઓમકારના ધ્વનિની ખુબીથી સત્યના મિલનનો અનુભવ થશે તેમજ તેનાથી આપણામાં સંતોષ આવી જશે, મન સ્થિર થ ઈ જશે, પ્રાણ સ્થિર બનશે, મનની ચંચળતા આપ મેળે દૂર થઈ જશે, દુઃખોનો ભ્રમ ભાગી જશે અને જીવનની દોડાદોડી વિલીન થતાં આનંદ વર્ષા થશે. ઓમકાર પરમાત્માની પહેલી લહેર છે. અર્થાત પરમાત્મા સ્પષ્ટા મટી સ્પષ્ટ બનશે અને એ જ સંસારના માર્ગેથી પાછા જવાનો, સાચા માર્ગે જવાનો રાહ બતાવશે. ઓમકાર કોઈ ખરીદી શકાય કે ઉધાર મેળવી શકાય તેવી ચીજ નથી. એ તો એક જીવંત પ્રાણ શક્તિ છે. એને પ્રાપ્ત કરવા માટે તમામ કામનાઓથી મુક્ત બની ખાલી થવું પડે.
મનોવૈજ્ઞાનિકો માણસને એક ભીડ તરીકે ઓળખાવે છે એ સાવ સાચું જ છે. આપણે બહારથી તો માત્ર એક માણસ જ છીએ. પણ આપણી અંદર પણ અનેક માણસો છે, અંદર એક બજાર ભરેલું છે અને સર્વ ઠેકાણે માણસોની ભીડ જમા થયેલી છે. આપણી આ આંતરિક ભીડને સમેટી લીધા સિવાય આપણે ઓમકારની પરમ સિધ્ધિને પામવા માટે યોગ્ય નથી. અંદરના ખંડિત થઈ ગયેલ ભાગોને એક કરવા પડે. ઓમકાર જ આ ખંડિત ભાગોને એક કરી શકે, ઓમકાર સિમેન્ટ માફક આપણા આ ખંડિત ભાગોને એક કરી અખંડતા પેદા કરશે જે અદભૂત હશે.
ઓમકાર એકત્વનું, અખંડતીતાનું પૂર્ણ સ્વરુપ છે. આપણી પ્રાર્થના, પૂજા, ધર્મપરાયણતા ખંડ ખડમાં છિન્નભીન્ન થઈ ગયેલ છે. આપણે સાંસારિક કાર્યોમાં ભાગેડુ બની જીવી રહ્યા છીએ. આપણા કામમાં અખંડપણું નથી અને આપણું મન મર્કટ બનીને નાસભાગ કર્યા કરે છે. આવી ચેષ્ટાઓ હશે ત્યાં સુધી ઓમકારની સાધના યોગ્ય ફળ નહીં આપે.
ઉત્સવ મગ્ન, આનંદ પૂર્ણ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ જ ઓમકારની પરમ પ્રાપ્તિનો અધિકારી બની શકે છે. આવી વ્યક્તિ જ આંતર ધ્વનિના સાજને બેસાડી શકે છે, ઓમકારની દુનિયામાં ડૂબકી લગાવી સાચી ધાર્મિકતાને વરી શકે છે.


Powered By